Please, visit new place : Home page: http://rutmandal.info/

કલ્કી અવતરણ – ચીરાગ પટેલ ઑગસ્ટ 19, 2008

ૐકારના ‘અ’ ધ્વનીનો રણકાર.
પ્રાણના નીશ્ચેટ સમુદ્રમાં એક તરંગનો ઉદભવ.
એ તરંગનું એકાએક ઘનીભવન.
ઘનીભુત તરંગમાંથી એક દેદીપ્યમાન જ્યોતીનું પ્રગટીકરણ.
એ જ્યોતીનું એક પરપોટા સમાન ભાસતાં એક બ્રહ્માંડને કરાતું ભેદન.
જ્યોતી વડે કરાતું બ્રહ્માંડનું પરીભ્રમણ.
એક નીશ્ચીત લક્ષને પકડીને જ્યોતીની શરુ થતી સફર.
મહતતત્વનાં અણદીઠાં વાદળોમાં ચમકતી આકાશગંગાઓ.
મન્દાકીની આકાશગંગાના તારલાંપુંજોથી બનેલી શાખા તરફ જ્યોતીનું પ્રયાણ.
નવલખાં ગ્રહોની બનેલી અનુપમ હારમાળા વચ્ચે શોભતો સુર્ય.
સુર્યમણીની નજીકમાં જ સોહાતી મા પૃથ્વી તરફ ખેંચાતી જ્યોતી.
ભરતખંડના દક્ષીણભાગે રમણીય સમ્ભલ ગામ.
ગામનાં મધ્યે આવેલાં નાના-શા ઘર પર જામતી ચાન્દનીનો પ્રકાશ.
દશે દીશાઓમાં આનન્દોર્મીની ચઢતી ભરતી.
સમગ્ર વાતાવરણને આચ્છાદીત સુખડમય સુગન્ધી.
નર-નારીનું પારમ્પરીક નવસર્જન પ્રેરતું મીલન.
સત્વ અને રજથી રચાતો અણુ-બ્રહ્માંડ સરીખો કોષ.
જ્યોતીનો એ કોષમાં પ્રવેશ.
અચાનક કોષની જડતાનો અંત અને ચેતનની શરુઆત.
મંગળવાદ્યોનું દ્યોતક એવું કલ્કીનું અવતરણ!

——————————————-
સાથે જ મારા અગાઉના સર્જનને પણ જોવા વીનંતી: https://parimiti.wordpress.com/2007/11/02/

ભારત – 3 – સ્વામી વિવેકાનન્દ ઑગસ્ટ 08, 2008

21. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.

22. તમારી દ્રષ્ટી સામે આ મુદ્રાલેખ રાખો: ‘જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતી.’

23. કેળવણી! કેળવણી! કેળવણી! બીજું કશું જ નહીં. યુરોપના નગરોનો પ્રવાસ કરીને અને ત્યાંનાં ગરીબ લોકોને પણ પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નીરીક્ષણ કરીને, મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વીચાર આવતો અને પરીણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે ‘કેળવણી.’ કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રધ્ધા જન્મે છે અને આ આત્મશ્રધ્ધા જ એ લોકોમાં મનુષ્ય-પ્રકૃતીને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

24. મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાન્ક્ષા એ છે કે એવું તંત્ર ગતીમાન કરવું કે જે ઉમદા વીચારોને દરેક માણસના ઘર સુધી પહોંચાડે, પછી ભલે સૌ સ્ત્રીપુરુષો પોતાના ભાગ્યનો નીર્ણય પોતે કરે. જીવનના સૌથી વીશેષ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા પુર્વજોએ તથા બીજા રાષ્ટ્રોએ શું વીચાર્યું છે એ બધું તેઓ ભલે જાણે, ખાસ કરીને બીજા લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એનું જ્ઞાન તેઓ ભલે મેળવે અને પછી પોતાની મેળે કોઈ નીર્ણય ઉપર આવે.

25. હું ભવીષ્યમાં દૃષ્ટીપાત કરતો નથી અને મને એની પરવા પણ નથી. પરંતુ મારી દૃષ્ટી સામે પસાર થતાં જીવનની જેમ એક દૃશ્ય એ છે કે મારી આ પ્રાચીન માતૃભુમી પુનઃજાગ્રત થઈ છે અને પહેલાંના કરતાં વધુ ભવ્ય બનીને, નવશક્તી પ્રાપ્ત કરીને સીંહાસનને વીરાજી રહી છે. શાંતી અને આશીર્વાદના ધ્વની ગજાવીને તેના ગૌરવની સમગ્ર વીશ્વને જાણ કરો.

26. મારા જીવનની સમગ્ર નીષ્ઠાનું એકમાત્ર લક્ષ્ય છે, મારી આ માતૃભુમી; હે મારા દેશબંધુઓ! મીત્રો! જો હું હજારવાર જન્મ ધારણ કરું તો એ સારીએ શ્રેણીની પળેપળને તમારી સેવામાં અર્પણ કરું.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008

વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની કે ઈસ્કમતી – ચનાબ, વીતસ્તા – ઝેલમ, વીપાસ – બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ – ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).

આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.

1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.

2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?

3. ઋગ્વેદમાં દેવ કે રાજાને “શહેરોનો ધ્વંસ કરનાર” એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!

4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.

5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.

6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.

7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?

8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html

9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં “-3102-02-18 12:00” નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે ‘સમુદ્ર’નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?

11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?

12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને ‘રા’ કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ ‘રા’ એટલે સુર્ય.

13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.

14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.

15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.

16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.

આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.

સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization – David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

મૃત્યુની પાર – ચીરાગ પટેલ જુલ. 08, 2008

મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, “સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?” ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, “મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?” જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))

છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં – જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.

દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)

હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.

પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: http://www.crystalclarity.com/yogananda/chap43.html

હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા – શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.

આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!

(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)

કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.

જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.

શ્રીઅરવિન્દે “પુર્ણયોગની સમીક્ષા” પુસ્તીકામાં આ વાત લખી છે.

ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક – ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:

– જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.
– આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.
– એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!
– આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!
– જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.
– આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.

હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.

જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.

ભારત – 2 – સ્વામી વિવેકાનન્દ

11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી – અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે – સૌથી પ્રથમ સોપાન.

12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.

13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

15. આપણી આ મહાન માતૃભુમી ભારત – એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા – જાગ્રત છે. ‘ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.’ બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને – તે વીરાટને – આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.

16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે – અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું – જડતાનું – શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.

17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે.

18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે – અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.

19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.

20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે – એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ!

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

સતોડીયું – ચીરાગ પટેલ Jun 21, 2008

નાનપણમાં ‘સતોડીયું’ તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.

થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857… હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714… આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?

1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142

હવે, આ લીંક પરની આકૃતી જુઓ: http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg

અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.

[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:
મુળાધાર – લં – કરોડનો સહુથી નીચેનો છેડો – પૃથ્વી
સ્વાધીષ્ઠાન – વં – જનનાંગના છેડે – જળ
મણીપુર – રં – નાભી – અગ્ની
અનાહત – યં – છાતી મધ્યે – વાયુ
વીશુધ્ધ – હં – ગળાના છેડે – આકાશ –
આજ્ઞા – ૐ – ભ્રુકુટી મધ્યે – માનસ
સહસ્ત્રાર – ૐ – શીખામુળ – મહત

મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર – બ્રહ્મ ગ્રંથી – વીષ્ણુ ગ્રંથી – રુદ્ર ગ્રંથી – મુળાધાર – સ્વાધીષ્ઠાન – મણીપુર – અનાહત – વીશુધ્ધ – આજ્ઞા એ ક્રમમાં “ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ” એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે – “ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે” એ રીતે ધ્યાન કરવામાં આવે છે.

કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને…)

ભારત – 1 – સ્વામી વિવેકાનન્દ

1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું – નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.

2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.

4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.

6. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મીક્તા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચીમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તીનો સંચાર કરવા માટે ઉભરાઈને પુરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાન્ક્ષાઓ અને સામાજીક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝુકી ગયેલાં, અધમુવાં અને પતીત બની ગયાં છે.

7. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મીક્તાને છોડી દેશો અને પશ્ચીમની જડવાદી સંસ્કૃતીનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મુકશો તો પરીણામ એ આવશે કે ત્રણ પેઢીની અન્દર એક જાતી તરીકે તમારી હસ્તી મટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઈમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરીણામે સર્વત્ર વીનાશ ફેલાઈ જશે.

8. ભૌતીક શક્તીનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થીતીમાં પરીવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મીક્તાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અન્દર તે ધુળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનીષદોનો ધર્મ.

9. આપણા ઉચ્ચ વર્ગના પુર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બીચારા દરીદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભુલી ગયા કે અમે પણ માણસો છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠીયારા કે પાણી ખેંચનારા ભીસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે – અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠીયારા કે ભીસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

10. ઉપનીષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉધ્ધાર હાથવેંતમાં જ છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

જાગ્યા પછી શું? – ચીરાગ પટેલ May 22, 2008

મેં ‘જાગો’ એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (https://parimiti.wordpress.com/2008/03/04/jaago/). આ લેખના અતીથીઓને ‘જાગ્યા’ પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના’ ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.

માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે.

આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.

‘ચિત્રલેખા’ સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના ‘કાર્ડિયોગ્રામ’ લેખમાળામાંથી અવતરણ ટાંકું છું.

“આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?”

“સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?”

“આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)”

આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે.

તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.

અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?

— આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને ‘ઉપવન’ બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 3 – સ્વામી વિવેકાનન્દ

21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.

22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.

23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.

24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.

25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.

26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: “આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!”

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 2 – સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; ‘વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં’ હું લાખો નર્કોમાં જવા તૈયાર છું – આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનીયમ’ છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

EPR પૅરેડૉક્સ – ચીરાગ પટેલ Apr 04, 2008

EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, “આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી.” આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.

EPR પૅરેડૉક્સ ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.

એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક લોહચુમ્બક (magnet) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર ઈલેક્ટ્રોન જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.

હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી – જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!

માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/EPR_paradox

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 1 સ્વામી વિવેકાનન્દ

1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, “આવ, આ લે ભાઈ,” પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.

5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો…. તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો ‘હું નહીં આપું’ તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે – શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.

7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે… જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.

8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું – અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં… તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો – એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.

————————————————-
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

જાગો – ચીરાગ પટેલ Mar 04, 2008

થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):

1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.

2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.

3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.

4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.

5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.

ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.

આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.

અને હવે એમ કહું કે, આ ‘આગ’ ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???

ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે – ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.

વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! ‘આગ’ જોર પકડી રહી છે…

બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.

મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.

ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.

આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.

આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.

થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???

મુદ્રા – ચીરાગ પટેલ Feb 17, 2008

1. જ્ઞાન મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.
1.jpg
2. પૃથ્વી મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.

સમય: ગમે તે સમયે કરી શકાય છે.
2.jpg
3. વરુણ મુદ્રા

પધ્ધતી: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.
 

સમય: ગમે તે સમયે કરી શકાય છે.
3.jpg
4. વાયુ મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.

વીશેશતા: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.

સમય: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.
4.jpg
5. શુન્ય મુદ્રા

પધ્ધતી: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.

સમય: રોજ 40 થી 60 મીનીટ કરો.
5.jpg
6. સુર્ય મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.

સમય: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.
6.jpg
7. પ્રાણ મુદ્રા

પધ્ધતી: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.
7.jpg
8. અપાન મુદ્રા

પધ્ધતી: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.

સમય: રોજ 45 મીનીટ કરો.
8.jpg
9. હ્રદય મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.

વીશેશતા: હ્ર્દયરોગમાં ‘સોર્બીટેલ’ જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.

સમય: રોજ 15 મીનીટ બે વખત કરો.
9.jpg
10. લીંગ મુદ્રા

પધ્ધતી: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.

વીશેશતા: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.

સમય: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.

10.jpg

શક્તીદાયી વીચાર 3 – સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.

શક્તીદાયી વીચાર – 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે – અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો ‘જડપદાર્થ’ શક્તીમાન છે, તો ‘વીચાર’ સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે ‘અભીઃ’, ‘અભય’. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

——————————————-
સાભાર, ‘શક્તિદાયી વિચાર – સ્વામી વિવેકાનંદ’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

શક્તીદાયી વીચાર 1 – સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.’ નવો ધર્મ કહે છે: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.’

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા – આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.’ આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે ‘સત્ય’ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં – પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે… માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.

——————————————-
સાભાર, ‘શક્તિદાયી વિચાર – સ્વામી વિવેકાનંદ’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

સમત્વ – ચીરાગ પટેલ Nov 16, 2007

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ

શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને તેજસ્વી બનાવે, અમે એક્બીજાનો દ્વેષ ના કરીએ. અમને શાંતી પ્રાપ્ત થાઓ.

આ શ્લોકમાં જણાવેલ સમત્વ કેટલી મોટી વૈચારીક ક્રાંતીનું નીમીત્ત બની શક્યુ હોત! પરંતુ, આપણે આ મંત્ર ગોખીને પઢતા રહ્યાં, વર્ષો સુધી! આપણા રોજીંદા જીવનની ઘટમાળથી લઈને, નોકરી-ધંધો, સમાજ, રાજકારણ, રાષ્ટ્રીયતા વગેરેને સ્પર્શતા મુદ્દાઓનો કેટલો સરસ ઉકેલ આ શ્લોકમાં રહેલો છે. આવી સ્પર્શતી બાબતો પર તો એક મહા-નીબંધ લખી શકાય. કીંતુ, આજે વાત કરીશું ‘સમત્વ’ની એક અલગ કોણેથી.

આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આજની તારીખમાં કરવાના કામોની યાદી બનાવીએ છીએ (ખરેખર?). આ તારીખ નક્કી કરવા માટે કેટલા બધાં પંચાંગ કે કેલેંડર છે! અને છતાં, આપણે ગ્રેગોરીયન કેલેંડર પર આજે સહમતી પર છીએ. સમય પાલનમાં આપણે 24કલાકની ઘડીયાળ અપનાવી લીધી છે. માપનની પધ્ધતી અને તોલમાપ માટે દુનીયામાં સહમતી છે (અમેરીકા કે ગણ્યાં ગાંઠ્યા દેશોને છોડીને). આપણે સીસ્ટમ ઈંટરનેશનલના ધારાધોરણ મુજબ મીટર, કીલોગ્રામ, સેકંડ, લીટર અપનાવી લીધા છે. દરેકે દરેક ક્ષેત્રમાં આજે દુનીયામાં સ્ટાન્ડર્ડ રખાતા થઈ ગયા છે, કે જેથી દુનીયાની મહત્તમ જનસંખ્યાને સુલભ ઉપલબ્ધી રહે. યુનીકોડ ફોંટ, 220 કે 110 વોલ્ટ, વીસીડી કે ડીવીડીની ફોર્મેટ, ઈલેક્ટ્રીક પ્લગનો આકાર, ટીવી પ્રસારણ માટેનો બેંડ, ટીવીસેટ, મોબાઈલ ફોનનો પ્રકાર, ફોન નમ્બર, પીન કોડ કે ઝીપ કોડ, વગેરે વગેરે વગેરે. યાદી કેટલી લાંબી થઈ શકે એનો અંદાજો પણ નથી. કલાપીની જેમ કહી શકાય? “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.”

શું શાંતીપાઠનું ખરું પાલન થવું હવે જ શરું થયું છે? અને દુઃખની વાત એ છે કે, ભારત શાંતીપાઠ ગોખીને બેઠું રહ્યું અને પશ્ચીમે એનો ખરેખર અમલ કરી બતાવ્યો. આજની તારીખે પણ સ્ટાંડર્ડ નક્કી કરવામાં ભારત માત્ર અનુસરણ જ કરી રહ્યું છે. “દ્વેષ” તો ભારતના પ્રદેશો વચ્ચે કે એક જ પ્રદેશનાં લોકો વચ્ચેથી પણ દુર નથી થયો.

પ્રભુ, શાંતી, શાંતી, શાંતી (મારા મગજને ઠંડુ પાડ, પ્રભુ)!

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી – ચીરાગ પટેલ Dec 02, 2007

મેં “અવતારની લીલા સમાપ્તી” પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.
——————————-
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.

કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.

શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.

થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.

ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.

નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.

પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ ‘પ્લુટો’ કે ‘યમ’ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને ‘ઉર્ટ’ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.

મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.

ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.

ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.

શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને ‘બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ’ કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!

વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.

અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.

દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.

શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!

મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં ‘મ’કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં ‘અ’કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. ‘ઉ’કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને ‘મ’કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને ‘મ’કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.

અવતારની લીલા સમાપ્તી – ચીરાગ પટેલ

ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

બ્રહ્માંડના કેટલાં પરીમાણ? – ચીરાગ પટેલ Oct 30, 2007

આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં પરીમાણ (Dimension) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.

ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!

એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?

ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (તારા, નીહારીકા, આકાશગંગા, બ્લેકહૉલ(કૃષ્ણ વીવર) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે ડાર્ક-મેટર કે ન્યુટ્રીનો નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.

તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!

આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા…

પ્લાઝ્મા – ચીરાગ પટેલ Oct 06, 2007

આપણે પદાર્થની ત્રણ અવસ્થાઓ જાણીએ છીએ: ઘન, પ્રવાહી, અને વાયુ. આ ઉપરાંતની પદાર્થની કોઈ બીજી સ્થીતી તમારી જાણમાં છે? તમે દીવો પ્રગટાવો ત્યારે દીવાની જે જ્યોત છે તે શું છે? શું એ દીવેટ કે ઘી કે હવા છે? હકીકતમાં જ્યોત એ જ હવાની પ્લાઝ્મા (plasma) અવસ્થા છે! (ટેકનીકલી એ આંશીક પ્લાઝ્મા છે.) પ્લાઝ્માનું બીજું કોઈ ધગધગતું ઉદાહરણ કલ્પી શકો છો? સુરજદાદા! સુર્ય એટલે કે તારો જ્યારે જીવતો (?) હોય, ત્યારે તેમાં સતત હાઈડ્રોજનમાંથી હીલીયમમાં રુપાંતરણની પ્રક્રીયા ચાલતી જ હોય છે. અને એ હીલીયમ પ્લાઝ્મા સ્વરુપે રહે છે. આકાશે ઝબુકતી વીજળી પણ પ્લાઝ્મા અવસ્થા છે. ધ્રુવજ્યોતી કે અરોરા (aurora) એ પણ પ્લાઝ્મા છે. કૃત્રીમ પ્લાઝ્મા આજકાલ મળતાં પ્લાઝ્મા ટીવી, નીયોન લાઈટ, રોકેટના એક્ઝોસ્ટ વગેરેમાં જોવા મળે છે.

દરેક અણુનું મોડેલ લગભગ આપણી સુર્યમાળા જેવું દેખાય. સુર્યની ફરતે નવ ગ્રહો ફરે છે (પ્લુટોનું સ્થાન જો કે હવે ડામાડોળ છે!). જો એકાદ ગ્રહ એની કક્ષામાંથી છટકી જાય તો? બાહ્યાવકાશમાં ગમે ત્યાં ગોફણની પેઠે અથડાયા કરે! પ્લાઝ્મા અવસ્થા એટલે આવી રીતે છટકી ગયેલા ઈલેક્ટ્રોન (આવા પરમાણુઓને ચાર્જ્ડ પાર્ટીકલ્સ (charged particles) પણ કહી શકાય). જો કે પદાર્થ પ્લાઝ્મા અવસ્થામાં છે એવું છાતી ઠોકીને કહી શકાય એ માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ:

1. દરેક પરમાણુનાં ઈલેક્ટ્રોન, માત્ર સહુથી નજીકનાં પરમાણુ સાથે પ્રક્રીયા કરવાને બદલે આજુબાજુના બધાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ સાથે અસર જન્માવે; અને બધાં ભેગાં મળીને સંયુક્ત સમુહ રુપે પોતાની વર્તણુંક દર્શાવે. આ માટે ડેબ્યે સ્ફીઅર (Debye sphere) શબ્દ પ્રયોજાય છે. આ ગોળામાં રહેલાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ પ્લાઝ્મા સ્થીતી જન્માવે છે.
2. પ્લાઝ્મા આવૃત્તી (ઈલેક્ટ્રોનની પ્લાઝ્મા આવૃતી) સમાન્ય પરમાણુમાં ઈલેક્ટ્રોનની બીજા પરમાણુઓ સાથેની અસરોની આવૃત્તી કરતાં ઘણી વધારે હોવી જોઈએ.
3. સપાટી પરનાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ કરતાં તેમની સમુહ વર્તણુંક વધારે અગત્યની છે.

પ્લાઝ્મા અવસ્થા જન્માવતાં પરીબળોમાં ઉંચું તાપમાન (નીચા તાપમાને પણ પ્લાઝ્મા શક્ય છે), ઉચું વીજદબાણ, ઉંચું ચુંબકીયબળ જવાબદાર છે.

પદાર્થની બીજી પણ નવી અવસ્થાઓ છે: બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ (Bose-Einstein Condensate), ફર્મીઓનીક કંડેંસેટ (Fermionic condensate), ક્વોંટમ સ્પીન હૉલ (Quantum spin Hall), ડીજનરેટ મૅટર (degenerate matter), સ્ટ્રેઈંજ મૅટર (Strange matter), સુપરફ્લુઈડ્સ (Superfluids), સુપરસૉલીડ્સ (Supersolids), સ્ટ્રીંગ-નેટ લીક્વીડ (String-net liquid). આ બધી આવસ્થાઓ પર ક્યારેક ચર્ચા કરીશું.

પ્લાઝ્મા સ્થીતીમાં વૈજ્ઞાનીકોને એટલો બધો રસ પડ્યો છે કે વીજ્ઞાનની આખી નવી શાખા પ્લાઝ્મા ફીઝીક્સ (Plasma Physics) વીકસી છે.

જ્યારે કોઈ પદાર્થ પ્લાઝ્મા સ્થીતી ધારણ કરે ત્યારે તે જાણે જૈવીક પદાર્થ હોય એવી રીતે વર્તે છે. આખો પદાર્થ જાણે જીવંત બની જાય છે, અને પોતાની અશુધ્ધીઓને જાણે વાઈરસનું ઈંફેક્શન દુર કરવાનું હોય એમ પ્રતીક્રીયા જન્માવે છે. પોતાની આસપાસનાં વાતાવરણને વૈચારીક પ્રક્રીયાથી (?) અસર કરવાની શરુઆત કરે છે!

ત્રીમુર્તી – ચીરાગ પટેલ Sep 21, 2007

આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં ત્રીમુર્તી કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે બ્રહ્મા, વીષ્ણુ અને મહેશ (શંકર). જ્યારે આ બ્રહ્માંડની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર ત્રીમુર્તીનું મારી દ્રષ્ટીએ પૃથક્કરણ કરીએ!

જગતનાં દરેક જડ-ચેતન પદાર્થોનો ઉદભવ બ્રહ્મામાંથી થયેલો માનવામાં આવે છે. બ્રહ્મા એટલે જગતપીતા! દરેક જ્ઞાનનાં આદી સ્વરુપ વેદોની ઉત્પત્તી પણ બ્રહ્મામાંથી થઈ છે. પુરાણોમાં દર્શાવેલાં કોઈ પણ રાજવંશનાં મુળમાં જગતપીતા બ્રહ્મા રહેલાં છે. આવી આદરણીય વીભુતી હોવા છતાં તેમનું મંદીર રાજસ્થાનનાં પુષ્કરક્ષેત્ર સીવાય હોવાનું જાણમાં નથી. તેનાં કારણરુપ ઘણી ઘણી વાર્તાઓ આપણાં પુરાણોમાં જાણવાં મળે છે. આવાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વીષ્ણુનાં નાભીકમળમાંથી થયું હતું.

બ્રહ્મા પણ જેમાંથી પ્રગટ્યા એવા જગતના પાલન-લાલન કરનારાં વીષ્ણુ શેષશૈયા પર સુતાં-સુતાં બ્રહ્માંડની દરેક પ્રવૃત્તી પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. વીષ્ણુને પરમાત્માનાં અંશરુપ અને સીધાં પ્રતીનીધી માનવામાં આવે છે. તેમણે જગતને ચલાવવા માટે કંઈ કેટલાંય પ્રશ્નોનું યુક્તીપુર્વક સમાધાન કર્યું છે.

શંકર, આદીદેવ, મહાદેવ, સાક્ષાત શીવ, આશુતોષ, ભોળા શંભુને બ્રહ્માંડનો વીનાશકર્તા માનવામાં આવે છે. તેમનું તાંડવનૃત્ય મોટાં ગ્રહોથી લઈને સુક્ષ્મ પરમાણુઓ સુધી બધાંનો વીનાશ કરી નાંખે છે. તેમનાં ડમરુંમાંથી શીવસુત્રજાળ સ્વરુપે આપણી ભાષા (સંસ્કૃત)નું બીજ નીકળ્યું હતું.

આપણે દરેક જુદાં જુદાં પ્રકારનાં પ્રાકૃતીક બળોને જાણીએ છીએ, જેમ કે, ગુરુત્વાકર્ષણબળ, ચુંબકીયબળ, વીદ્યુતબળ વગેરે. (વીજ્ઞાને જે બળનાં નામ નથી આપ્યાં એવાં પણ ઘણાં બળોનો આપણને અનુભવ છે!) ભૌતીકવીજ્ઞાને આ બધાં બળોમાંથી મુખ્ય ચાર બળોને અલગ તારવ્યાં છે. બાકીનાં બધાં જ આ ચાર પાયાનાં બળોનું જ સ્વરુપ છે. આવા પાયાનાં બળો છે: ગુરુત્વાકર્ષણબળ, વીદ્યુતચુંબકીયબળ, વીકફોર્સ, સ્ટ્રોંગફોર્સ.

વીશ્વનો દરેક પદાર્થ ઉર્જામાં રુપાંતરીત થઈ શકે છે. વીશ્વનું એ જ મુળભુત સ્વરુપ છે – ઉર્જા. જે પદાર્થ દેખાય છે એ બધાં અસ્થાયી સ્વરુપ છે. હવે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ ધરાવવાનો મુળભુત સ્વભાવ ધરાવે છે, જ્યારે ઉર્જા પોતે હંમેશાં વીદ્યુતચુંબકીય બળ સ્વરુપે પોતાનાં ચમકારાં બતાવતી રહે છે. જ્યારે ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું ત્યારે જ તેમાંથી ગુરુત્વાકર્ષણબળનો પણ સાથે જન્મ થયો. આ બળ સમયને પણ લાંધીને અનંત અંતરસુધી વીસ્તરેલું હોય છે. આમ, વીશ્વનો દરેક પદાર્થનું ગુરુત્વાકર્ષણબળ, બ્રહ્માંડની સીમા (જો હોય તો) હોય ત્યાં સુધી વીસ્તરેલું આપણે માની શકીએ! અને આમ દરેક પદાર્થનાં આવાં બળની ત્રીપરીમાણીય (કે વધારે પરીમાણધારી, કારણકે ગુરુત્વાકર્ષણબળ સમયને પણ પાર કરીને વીસ્તરેલું હોય છે) ચાદરમાં જ દરેક પદાર્થ અવલંબે છે, ટકી રહે છે. શું આ બળ જ વીષ્ણુ છે?

જ્યારે ગુરુત્વાકર્ષણથી ઘનીભુત થયેલું ઉર્જાનું વાદળ વલોવાય છે, હચમચે છે ત્યારે પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે સંઘભાવના જન્મે છે અને તેમનાં મુળભુત અપાકર્ષણને બદલે સ્ટ્રોંગફોર્સરુપી ભાઈચારો વ્યાપક બને છે, અને નાભીકમળમાંથી પ્રગટે છે પરમાણુ. આ સ્ટ્રોંગફોર્સને લીધે જ પરમાણુઓનું અસ્તીત્વ ટકી રહે છે અને આખું વીશ્વ આકાર લે છે. શું આ બળ એ જ બ્રહ્મા?

અમુક પદાર્થ, તેનાં પરમાણુઓમાં વીઘટીત થયેલો હોય ત્યારે (બાહ્યબળની ગેરહાજરીમાં પણ) તેનાં કેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન ભારત-પાકીસ્તાનનું રુપ ધારણ કરે છે. તેમની ઉર્જાનું વીકીરણરુપી કારગીલ યુધ્ધ જામે છે, અને મુળભુત બંધારણ બદલાઈ જાય છે. પરમાણુમાંથી વીકીરણોનો ધોધ જન્માવતાં આ બળને વીકફોર્સ કહે છે. આખું બ્રહ્માંડ અમુક સમય પછી ધીરી-ધીરે પોતાનું ખોળીયું વીકફોર્સની અસરતળે સંકોરી લેશે. શું આ વીકફોર્સ એ જ શંકર મહાદેવ?

ૐ તત સત ૐ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3
(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)

======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.

ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.

એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?

======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.

======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની ‘પુર્ણ સ્વરાજ્ય’ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.

======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.

======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.

અતીથી સંખ્યા

  • 16,590 hits