સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========

અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, “આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું.”

લોર્ડ નેહરુ, લીયાકતઅલી, ગાંધીજી, સરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.

જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, “સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?” સરદાર કહે છે, “અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ.” લોર્ડ કહે છે, “માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું.” સરદાર કહે છે, “તો હું રજા લઇશ.”

======== * 2 * ========

ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રેસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, “બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ.”