સરળ રાજયોગ 2 Sep 09, 2007
આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.
સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!
સતત ‘ૐ તત સત ૐ’ નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે ‘ૐ તત સત ૐ’. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે ‘મા’ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે ‘ૐ તત સત ૐ’ તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. ‘મા’ પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.
દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.
દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.
ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.
ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. ‘ૐ તત સત ૐ’ જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.
નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.
બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.
ત્યારબાદ ‘મા’ની પ્રાર્થના કરું અને તેની પાસેથી ‘શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી’ માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી ‘મા’ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.
ગાયત્રી મંત્ર ‘ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ’ નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.
મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, ‘ૐ તત સત ૐ’ જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું “સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ’. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં ‘ૐ તત સત ૐ’ જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.
ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ ‘મા’ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, ‘મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ’.
પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.
ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)
પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.
સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.
વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.
આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.
મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.
ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.
જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).
ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.
બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.
શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.
હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: ‘મા’નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.
17 comments
Comments feed for this article
સપ્ટેમ્બર 9, 2007 at 2:14 પી એમ(pm)
Harnish Jani
Sau-Varas jivsho–
You will celebrate your 100th birth day-
Keep on doing it-
સપ્ટેમ્બર 9, 2007 at 4:15 પી એમ(pm)
સુરેશ જાની
ભાઈ ચીરાગ,
તેં જે કામ કર્યું તે ઘણા ઓછાએ કર્યું હશે. પોતાના અનુભવો સંતાડીને રાખવાની શું જરુર છે, તે જ મને તો ખબર પડતી નથી. આમ જ કદાચ આપણા પુર્વજો પોતાની મોનોપોલી ટકાવી રાખતા હશે.
આ તો બહુ ધ્યાનથી વાંચવું પડશે. અને અમલમાં મુકવા પ્રયત્ન કરવો પડશે.
ખુબ ખુબ આભાર..
સપ્ટેમ્બર 9, 2007 at 10:52 પી એમ(pm)
jjkishor
યોગેશ્વરજીએ તો આત્મકથા લખીને ઘણું બધું પ્રગટ કર્યું છે, તમે પણ કેમ ન કરી શકો ? આ બધા અનુભવો માટે એમ કહેવાય છે કે એને વર્ણવવાથી આપણે વીચલીત થઈએ છીએ. બાકી બીજો કોઈ વાંધો ન હોઈ શકે.
એક વાત અહીં મુકું ?
બ્રહ્મનીષ્ઠ શ્રી રામગુરુના પરમ શીષ્ય શ્રી જયકૃષ્ણજી રચીત ‘પંચીકરણ’ (મુળ ગુરુજીના ગ્રંથનું સરલીકરણ)માં લખ્યું છે કે “યોગાભ્યાસથી મોક્ષ થઓ નથી” (પૃષ્ઠ 135) એટલે આને આપણે લક્ષ્ય બનાવવું ન જોઈએ. યોગમાર્ગે સાધક ગુરુ વીના પ્રયોગ કરે તો, (યમ-નીયમ, ધ્યાન-ધારણા સુધી વાંધો નથી પરંતુ) આગળ ઉપર બહુ મોટી તકલીફ આવતી હોય છે. આ વાત રાજયોગને જ લાગુ પડે છે.
કેટલુંક સાહીત્ય પણ અહીં મુકીશ તો ઉપયોગી થશે.
1] પંચીકરણ (સસ્તું સાહીત્ય)
2] પાતંજલયોગદર્શન (હીન્દી) હરીકૃષ્ણદાસ ગોયન્દકાજીની ટીકા સહીતનું.
3] સરળ રાજયોગ સ્વામી શીવાનંદ સરસ્વતી (દીવ્ય જીવન સંઘ – વડોદરા)
4] સર્વવેદાન્ત-સીદ્ધાંત-સારસંગ્રહ શ્રીમદ્શંકરાચાર્ય રચીત) અધ્યત્મમાં અગળ વધવા માટેની અત્યંત સરળ,સંક્ષીપ્ત અને સંપુર્ણ પુસ્તીકા. સસ્તું સાહીત્ય.
તમે વીવેકાનંદના ‘રાજયોગ’નો આશરો લીધો છે તે સારું છે. એનું પ્રથમ પ્રકરણ રામકૃહ્ણદેવ અંગે છે તે મારા અત્યંત પ્રીય વાચનોમાંનું એક-અદ્વીતીય છે. ક્યારેક એમના અંગે ચર્ચા જૌર કરજો.
તમારા માર્ગે સર્વ શુભેચ્છાઓ અને ધન્યવાદ. યુવાવયે જ આ વાત શોભે છે એ વાત બહુ પ્રચલીત નથી. તમને એ લાધી છે એ માટે પણ તમે અભીનંદનને [અને ઈર્ષ્યાને પણ] પાત્ર છો !!
સપ્ટેમ્બર 10, 2007 at 2:13 એ એમ (am)
Pinki
it’s so nice experience………
આ જ્ઞાન કે સિદ્ધિ દરેકને પ્રાપ્ય નથી હોતી….
આથી દરેક વ્યક્તિ આ વસ્તુ સમજી ના શકે એટલે કદાચ
કહેવી યોગ્ય નહિઁ હોય …………?!!
પણ તમે share કરો કારણ કે તમારા આત્માનો જ
આ આદેશ છે જે તમને સાચો જ માર્ગ બતાવશે.
આ ચક્રોમાં ‘ફરી વળવાનું’ કંઇ સહેલું નથી,
શારિરીક અને માનસિક ફાયદા તો છે જ.
પણ આ અનુભૂતિ જ સ્વયં એક સિદ્ધિ છે…….
great……
” MOKSHARTHI LABHATE GATIM”……….
may god always be with u……
સપ્ટેમ્બર 10, 2007 at 8:39 એ એમ (am)
મગજના ડોક્ટર
KEEP ON DOING AND MAKE OTHERS TO LEARN.
LIFE LEARNSBY LIVING.
GOOD WILL HELPS US ALL.
સપ્ટેમ્બર 14, 2007 at 2:12 એ એમ (am)
Mehul
I just have theoretical knowledge about this stuff, not practical one, but I believe most people don’t say about their experience about Meditation etc., because they find it pointless. It becomes their personal experience, and it really doesn’t make any difference to them whether they “advertise” their experience or not. Some chose to tell it to the world for the betterment of the world (like Vivekanand, Shankarachary etc.), but real achievers don’t feel like hiding it – they just don’t feel like advertising it. If you approach them and ask them, I believe they would be open minded enough to share their stories…
સપ્ટેમ્બર 14, 2007 at 12:47 પી એમ(pm)
Chirag Patel
આજે જ એક બીજી વાત સાબીત થઈ.
પ્રાણાયામ અને ધ્યાન કરવાથી સાત પ્રકારનાં નાદ સાંભળવાની શક્તી આવે છે, જે આપણે સામાન્ય રીતે નથી સાંભળી શકતાં. મને એકદમ ઝીણો વીજપ્રવાહ વહેતો હોય તેવો અવાજ સતત સંભળાતો થયો છે. પણ હું તેને ચકાસી જોવા માંગતો હતો. એટલે ફેમીલી ડોક્ટરને મળ્યો, તપાસ કરાવડાવી. પછી ENT ડોક્ટરને મળ્યો. તેમણે સાયનસ હોઈ શકે કરીને સ્પ્રે આપ્યો. મહીના પછીની તપાસમાં પણ બધું ‘સામાન્ય’ જણાયા બાદ, તેમણે MRI કરાવવાનું નક્કી કર્યું. એમનું માનવું હતું કે કાનમાં અથવા સાંભળવાનાં જ્ઞાનતંતુઓની આજુબાજુ કંઈક (tumour?) હોઈ શકે. એનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. ડોક્ટર કહે છે, જો તમે હેરાન ના થતાં હો તો પછી એ અવાજ પ્રત્યે ધ્યાન આપવાનું છોડી દો!!!
સપ્ટેમ્બર 14, 2007 at 6:08 પી એમ(pm)
Jayesh Patel
Chiragbhai,
I enjoyed reading about Rajyog 1 and Rajyog 2. Very well done.
You are an inspiration to practice Rajyog in daily life. Can’t believer I was reading a person who is in the USA and who is doing this regularly.
You have challenged me to practice it now.
(One request: Can I reproduce these two articles on http://www.kavilok.com with due credits to you and links to your blog?
IMO this deserves to be indexed well by search engines and more inward links to this pages will help it.)
Thanks,
Jayesh
સપ્ટેમ્બર 21, 2007 at 3:17 પી એમ(pm)
Pinki
ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે.
tamane jaan hashe j …….. pan blue colour throat chakra ne represent kare chhe evu kadach hoi sake ke aapani kundalini shakti te chakrama
sthir thai hashe tyare ?!! throat chakra communication expression ne
effect kare chhe.
એપ્રિલ 29, 2008 at 7:28 એ એમ (am)
Chirag Patel
http://www.readgujarati.com/sahitya/?p=1955
એપ્રિલ 29, 2008 at 11:21 એ એમ (am)
Chirag Patel
https://parimiti.wordpress.com/2008/02/17/mudra/#comment-146
જુલાઇ 11, 2008 at 4:01 પી એમ(pm)
Chirag Patel
http://www.readgujarati.com/sahitya/?p=1588
જુલાઇ 23, 2008 at 9:21 પી એમ(pm)
Chirag Patel
http://antarnivani.wordpress.com/2008/02/08/vipasyanaa/
ઓગસ્ટ 4, 2008 at 9:14 પી એમ(pm)
Chirag Patel
http://www.readgujarati.com/sahitya/?p=2264
એપ્રિલ 2, 2010 at 1:51 પી એમ(pm)
chirag
your thinking of surynamaskar is very great
જુલાઇ 11, 2014 at 1:49 પી એમ(pm)
Harsha
chiragbhai, I read your article on ‘saral rajyog’. A very good article. though I have one question to clarify, if I need to start similar ‘dhayn’ practice. Your reference of ‘ma’ in the article….which ‘ma’ you are referring to, the one who gave birth, or ‘gayatri ma’ or ‘ma surveshwari’ or any other?
I appreciate ifl you please clarify at the given email address. Thanks.
જુલાઇ 12, 2014 at 8:51 પી એમ(pm)
Chirag
My MAA is bhuvneshvari svarupa. Please, read more at rutmandal.info/guj as I moved my blogs to rutmandal.info