બ્રહ્માંડના કેટલાં પરીમાણ? – ચીરાગ પટેલ Oct 30, 2007

આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં પરીમાણ (Dimension) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.

ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!

એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?

ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (તારા, નીહારીકા, આકાશગંગા, બ્લેકહૉલ(કૃષ્ણ વીવર) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે ડાર્ક-મેટર કે ન્યુટ્રીનો નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.

તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!

આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા…