શક્તીદાયી વીચાર 3 – સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.