પ્રેમ અને નીઃસ્વાર્થતા – 1 સ્વામી વિવેકાનન્દ
1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, “આવ, આ લે ભાઈ,” પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.
3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.
4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.
5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો…. તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો ‘હું નહીં આપું’ તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.
6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે – શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.
7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે… જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.
8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું – અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.
9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં… તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.
10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો – એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.
————————————————-
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…
2 comments
Comments feed for this article
માર્ચ 23, 2008 at 2:39 એ એમ (am)
સુરેશ જાની
અહીં વિવેકાનંદના વીચારો વાંચી મને તેમના માટે માન અનેક ગણું વધી ગયું છે. માત્ર 39 વર્શની જીંદગીમાં આ મહામાનવે કેવાં કેવાં કામો કર્યા?
આપણા દેશે અને ધર્મોપદેશકોએ તેમના વીચારોનો દસ ટકા પણ અમલ કર્યો હોત તો, તેમના મ્રુત્યુ બાદ દેશ સો વરસમાં ક્યાં નો ક્યાં પહોંચી ગયો હોત.
હવે આ સુવીચારો પણ ‘ ગદ્ય સુર’ ઉપર લેવા પડશે.
મે 25, 2008 at 2:51 પી એમ(pm)
pragnaju
“આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે”કેટલી સત્ય અને સચોટ વાત.
એક પ્રસંગ યાદ આવે છે.મારા ભત્રિજાના દિકરાએ અમેરીકામાં ગવર્નર માટેની પાર્ટીમા સારો ખર્ચો કરેલો તેથી તેમને તે સમારંભમા જવાનું આમંત્રણ હતું.ખર્ચાળ સ્વાદિષ્ટ ખાવાનું હતું પણ પાર્ટી બાદ જોયું તો લેફ્ટ ઓવર ઘણું હતુ તેથી તે પોતાની પાર્ટી માટે લઈ જવાની વાત કરી તો ઓરગેનાઈઝરે કહ્યું કે તે બધુ ગારબેજ થશે!આવુ અમેરિકામા બહુ જોવા મળે છે
દાદાનો આ અંગે આવો વિચાર-પણ વિચાર કરતાં કરે છે-
“આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાનીપુરુષ છું,તે મને તો,જ્ઞાનીપુરુષને ત્યાગાત્યાગ ન સંભવે,તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે.અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ,તે કેટલા બે ડાબડા પાણી જતું હશે? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી?ના,પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય !અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાનીપુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે! તમને ગમે છે આ તીર્થંકરોની આવી વાત?” અને
“સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી.પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ.આ તો આપણું જ્ઞાન છે, તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને !”