પ્રેમ અને નીઃસ્વાર્થતા – 2 – સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; ‘વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં’ હું લાખો નર્કોમાં જવા તૈયાર છું – આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનીયમ’ છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…