ભારત – 2 – સ્વામી વિવેકાનન્દ
11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી – અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે – સૌથી પ્રથમ સોપાન.
12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.
13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.
14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.
15. આપણી આ મહાન માતૃભુમી ભારત – એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા – જાગ્રત છે. ‘ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.’ બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને – તે વીરાટને – આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.
16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે – અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું – જડતાનું – શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.
17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે.
18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે – અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.
19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.
20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે – એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ!
————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…
5 comments
Comments feed for this article
જુલાઇ 4, 2008 at 11:39 પી એમ(pm)
mahendra
very nice work..pl print more of these elixar of sw. vivekananda regularly..
“…arise awake and roar like a lion…sw. vivekananda”
thx for u r mail
જુલાઇ 6, 2008 at 8:28 પી એમ(pm)
jugalkishor
હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી
આની સાથે ગાંધીજીના આ વાક્યોને પણ વાંચો, કેવું સામ્ય છે !
When Americans come and ask me what service they can render, I tell them; If you dangle your millions before us, you will make beggars of us and demoralized us. But in one thing I do not mind being a beggar. I would beg of you your scientific talent. You can ask our engineers and agricultural experts to place their services at our disposal. They must not come to us as our lords and masters but as voluntary workers. –Mahatma Gandhi.
જુલાઇ 6, 2008 at 9:17 પી એમ(pm)
સુરેશ જાની
વિવેકાનંદ એટલે વિવેકાનંદ. એમના પંથે આપણા ધાર્મીક વડાઓ ક્યારે ચાલશે?
જુલાઇ 11, 2008 at 11:32 એ એમ (am)
Chirag Patel
ઓગસ્ટ 8, 2008 at 10:51 પી એમ(pm)
Ramesh Patel
Indian civilization hase very wide base.future depends on how we act with progress.our leaderships must have an advance vision to meet challanges.
Ramesh PatelAakashdeep)