You are currently browsing the category archive for the ‘સ્વામી વિવેકાનંદ’ category.

ભારત – 3 – સ્વામી વિવેકાનન્દ ઑગસ્ટ 08, 2008

21. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.

22. તમારી દ્રષ્ટી સામે આ મુદ્રાલેખ રાખો: ‘જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતી.’

23. કેળવણી! કેળવણી! કેળવણી! બીજું કશું જ નહીં. યુરોપના નગરોનો પ્રવાસ કરીને અને ત્યાંનાં ગરીબ લોકોને પણ પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નીરીક્ષણ કરીને, મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વીચાર આવતો અને પરીણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે ‘કેળવણી.’ કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રધ્ધા જન્મે છે અને આ આત્મશ્રધ્ધા જ એ લોકોમાં મનુષ્ય-પ્રકૃતીને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

24. મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાન્ક્ષા એ છે કે એવું તંત્ર ગતીમાન કરવું કે જે ઉમદા વીચારોને દરેક માણસના ઘર સુધી પહોંચાડે, પછી ભલે સૌ સ્ત્રીપુરુષો પોતાના ભાગ્યનો નીર્ણય પોતે કરે. જીવનના સૌથી વીશેષ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા પુર્વજોએ તથા બીજા રાષ્ટ્રોએ શું વીચાર્યું છે એ બધું તેઓ ભલે જાણે, ખાસ કરીને બીજા લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એનું જ્ઞાન તેઓ ભલે મેળવે અને પછી પોતાની મેળે કોઈ નીર્ણય ઉપર આવે.

25. હું ભવીષ્યમાં દૃષ્ટીપાત કરતો નથી અને મને એની પરવા પણ નથી. પરંતુ મારી દૃષ્ટી સામે પસાર થતાં જીવનની જેમ એક દૃશ્ય એ છે કે મારી આ પ્રાચીન માતૃભુમી પુનઃજાગ્રત થઈ છે અને પહેલાંના કરતાં વધુ ભવ્ય બનીને, નવશક્તી પ્રાપ્ત કરીને સીંહાસનને વીરાજી રહી છે. શાંતી અને આશીર્વાદના ધ્વની ગજાવીને તેના ગૌરવની સમગ્ર વીશ્વને જાણ કરો.

26. મારા જીવનની સમગ્ર નીષ્ઠાનું એકમાત્ર લક્ષ્ય છે, મારી આ માતૃભુમી; હે મારા દેશબંધુઓ! મીત્રો! જો હું હજારવાર જન્મ ધારણ કરું તો એ સારીએ શ્રેણીની પળેપળને તમારી સેવામાં અર્પણ કરું.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

ભારત – 2 – સ્વામી વિવેકાનન્દ

11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી – અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે – સૌથી પ્રથમ સોપાન.

12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.

13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

15. આપણી આ મહાન માતૃભુમી ભારત – એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા – જાગ્રત છે. ‘ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.’ બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને – તે વીરાટને – આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.

16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે – અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું – જડતાનું – શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.

17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે.

18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે – અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.

19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.

20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે – એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ!

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

ભારત – 1 – સ્વામી વિવેકાનન્દ

1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું – નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.

2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.

4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.

6. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મીક્તા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચીમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તીનો સંચાર કરવા માટે ઉભરાઈને પુરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાન્ક્ષાઓ અને સામાજીક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝુકી ગયેલાં, અધમુવાં અને પતીત બની ગયાં છે.

7. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મીક્તાને છોડી દેશો અને પશ્ચીમની જડવાદી સંસ્કૃતીનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મુકશો તો પરીણામ એ આવશે કે ત્રણ પેઢીની અન્દર એક જાતી તરીકે તમારી હસ્તી મટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઈમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરીણામે સર્વત્ર વીનાશ ફેલાઈ જશે.

8. ભૌતીક શક્તીનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થીતીમાં પરીવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મીક્તાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અન્દર તે ધુળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનીષદોનો ધર્મ.

9. આપણા ઉચ્ચ વર્ગના પુર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બીચારા દરીદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભુલી ગયા કે અમે પણ માણસો છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠીયારા કે પાણી ખેંચનારા ભીસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે – અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠીયારા કે ભીસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

10. ઉપનીષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉધ્ધાર હાથવેંતમાં જ છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 3 – સ્વામી વિવેકાનન્દ

21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.

22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.

23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.

24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.

25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.

26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: “આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!”

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 2 – સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; ‘વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં’ હું લાખો નર્કોમાં જવા તૈયાર છું – આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનીયમ’ છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

પ્રેમ અને નીઃસ્વાર્થતા – 1 સ્વામી વિવેકાનન્દ

1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, “આવ, આ લે ભાઈ,” પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.

5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો…. તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો ‘હું નહીં આપું’ તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે – શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.

7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે… જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.

8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું – અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં… તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો – એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.

————————————————-
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

શક્તીદાયી વીચાર 3 – સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.

શક્તીદાયી વીચાર – 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે – અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો ‘જડપદાર્થ’ શક્તીમાન છે, તો ‘વીચાર’ સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે ‘અભીઃ’, ‘અભય’. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

——————————————-
સાભાર, ‘શક્તિદાયી વિચાર – સ્વામી વિવેકાનંદ’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

શક્તીદાયી વીચાર 1 – સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.’ નવો ધર્મ કહે છે: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.’

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા – આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.’ આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે ‘સત્ય’ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં – પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે… માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.

——————————————-
સાભાર, ‘શક્તિદાયી વિચાર – સ્વામી વિવેકાનંદ’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર‘ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં ‘રાજયોગ’ પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં:

1. યમ:
જેમાં સત્ય – હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા – કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય – કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ – ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય – ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.

2. નીયમ:
જેમાં તપ – શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય – સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ – બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ – હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાનભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.

3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.

4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને ‘સગર્ભ’ પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને ‘અગર્ભ’ પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને ‘સગર્ભ’ પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.

5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.

6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.

7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.

8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: —————————————

– ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.

– યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું – એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.

– સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.

– રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

– ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

– બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.

– મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.

– જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.

– પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.

– કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.

– અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.

– ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.

– નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.

– યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.

– તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને ‘ક્રીયાયોગ‘ કહે છે.

– ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને ‘સંયમ‘ કહે છે.

ધ્યાનના પ્રકારો: ————————————-

– ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં

– હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો

– મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન

– હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો

– કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: —————————-

1. ૐ

2. સોડ્મ

3. ૐ તત સત ૐ

4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ

સમાધિનું ગીત સ્વામી વિવેકાનંદ

નહીં સૂર્ય, નહીં જ્યોતિ,
નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,
છબી વિશ્વ ચરાચર ……. નહિ સૂર્ય

અસ્ફુટ મન – આકાશે
જગત – સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ
‘અહં’ સ્ત્રોતે નિરંતર …….. નહિ સૂર્ય

ધીરે ધીરે છાયા દળ
મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર ‘અહં’ ‘અહં’
એ જ ધારા ક્ષણે ક્ષણ …….. નહિ સૂર્ય

એ ધારાયે બંધ થઇ,
શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ
થાય પ્રાણ માંહે જાણ …….. નહિ સૂર્ય

સંન્યાસીનું ગીત – સ્વામી વિવેકાનંદ
(ન્યૂયોર્ક, થાઉઝંડ આયલેંડ પાર્કમાં જુલાઈ 1895માં રચેલું) (ગુજરાતી ભાવાનુવાદ)

જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
તત સત ” – 1

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
તત સત ” – 2

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
તત સત ” – 3

“લણે તે જે વાવે, અફર,” જન કહે: “કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.”
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
તત સત ” – 4

પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, – એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
તત સત ” – 5

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા – જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
તત સત ” – 6

કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
તત સત ” – 7

કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
તત સત ” – 8

ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
“ૐ તત સત ૐ” – 9

વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
“ૐ તત સત ૐ” – 10

ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
“ૐ તત સત ૐ” – 11

ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
“ૐ તત સત ૐ” – 12

અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું’, ‘હું’ માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
“ૐ તત સત ૐ” – 13

અતીથી સંખ્યા

  • 16,572 hits